ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠકો માટે આજે મતદાન યોજાયુ હતું. જે ચાર વાગ્યે પૂર્ણ થયા બાદ તેની પાંચ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતની ચાર ખાલી પડેલ રાજ્યસભાની બેઠકોમાંથી ત્રણમાં ભાજપનો વિજય થયો છે. જ્યારે એક બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ છે.
આ ચુંટણીમાં ભાજપના 103, કોંગ્રેસના 65, એનસીપી-1 અને એક અપક્ષે મતદાન કર્યુ હતું. આમ કુલ 170 મત પડ્યા હતા. જ્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટી(બીટીપી) મતદાનથી દૂર રહ્યુ હતું. આ સાથે જ ભાજપના ત્રણેય ઉમેદવાર રમીલાબેન બારા, નરહરી અમીન અને અભય ભારદ્વાજની જીત થઈ હતી.
જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી કોંગ્રેસ ઉમેદવાર શક્તિસિહ ગોહિલની પણ જીત થઈ હતી. તો ભરતસિંહ સોલંકીને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો છે.ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત થતાં ભાજપમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ હતું.
ત્રણેય ઉમેદવારોને મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત રાજ્યના મંત્રી મંડળ તેમજ કાર્યકર્તાઓ શુભકામના પાઠવી હતી. તો બીજીબાજુ રાજ્યસભાની ચૂંટણીમાં મત ગણતરી પહેલા કોંગ્રેસ વિરોધ ઉઠાવ્યો હતો. જેને લઈ રાજકીય ભૂકંપ સર્જાયો હતો. ભાજપ MLA કેસરીસિંહ સોલંકીના મત પર કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવાયો હતો. સાથે જ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના મત પર પણ વાંધો ઉઠાવ્યો હતો.