દેશભરમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે.. રોજના હજારોની સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો સામે આવતા સરકાર પણ ચિંતિત છે. તેવામાં કોરોનાના ટેસ્ટીંગને લઈને પણ ઘણા રાજ્યોમાં વિવાદ સર્જાયો છે. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ટકોર કરી છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે વિભિન્ન રાજ્યોમાં કોરોના વાયરસના ટેસ્ટિંગના ચાર્જ જુદા-જુદા હોવા પર ધ્યાન દોર્યું અને કેન્દ્રને આ મુદ્દે નિર્ણય લેવા માટે કહ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ રાજ્યોએ દર્દીઓની યોગ્ય દેખભાળ સુનિશ્ચિત કરવા માટે હૉસ્પિટલોનું નિરીક્ષણ કરવા માટે વિશેષજ્ઞોની પેનલની રચના કરવી જોઈએ.
જસ્ટિસ અશોક ભૂષણ, એસ. કે. કૌલ અને એમ. આર. શાહની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે તમામ રાજ્યોમાં COVID-19 ટેસ્ટિંગ ફીમાં એકરૂપતા હોવી જોઈએ. કોર્ટે કહ્યું કે તેઓ દર્દીઓની દેખભાળનું નિરીક્ષણ સુનિશ્ચિત કરવા માટે હૉસ્પિટલોમાં સીસીટીવી લગાવવાના આદેશને પસા કરવા અંગે પણ વિચાર કરી શકે છે.
કોરોના દર્દીઓની યોગ્ય સારવાર અને શબોને સંભાળવા સંબંધિત સુઓ મોટોની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિશેષજ્ઞોની એક ટીમને હૉસ્પિટલોનું નિરીક્ષણ કરવું જોઈએ. તેમજ સુધારાત્મક કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, મહેરબાની કરી દર્દીઓની સારસંભાળ અને મૃતદેહને સાચવવામાં રાખવામાં આવતી ખામીઓને દૂર કરો.