શ્રી કૃષ્ણ અને યદુવંશ અંગે વિવાદિત ટિપ્પણી મામલે માફી માંગવા મોરારી બાપુ દ્વારકા પહોંચ્યા હતા.. તે સમયે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારી બાપુ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પુનમ માડમ સહિતના અગ્રણીઓએ પબુભાને રોક્યા હતા.
મહત્વનું છે કે, પ્રખ્યાત રામકથાકાર અને સંત તેવા મોરારી બાપુ દ્વારા કૃષ્ણ ભગવાન અંગે વિવાદિત ટિપ્પણી કરવા બદલ ભારે વિવાદ થયો હતો. આહિર, ભરવાડ અને રબારી સમાજ સહિત સમગ્ર હિંદુ સમાજનાં આરાધ્ય તેવા દેવ વિશે ટિપ્પણી કરવાને કારણે થયેલા વિવાદનું શમન કરવા માટે મોરારી બાપુ દ્વારકા પહોંચ્યા હતા.
જે દરમિયાન પબુભા દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરાયોહતો. આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા હતા અને આ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ ગુજરાત માટે ખુબ જ શરમજનક ઘટના છે. મુખ્યમંત્રીએ ટ્વીટ દ્વારા આ ઘટનાને વખોડી નાખી હતી.
વિજય રૂપાણીએ કહ્યું કે, ભારતનાં પ્રખર અને ગણમાન્ય સંત પૂજ્ય મોરારીબાપુ સાથે દ્વારકામાં થયેલી ઘટનાને સખથ શબ્દોમાં વખોડુ છું. આજે મોરારી બાપુએ ભગવાન દ્વારકા ધીશનાં દર્શને આવીને કાળીયા ઠાકરની સામે સમગ્ર આહીર સમાજની માફી માંગી લીધી છે ત્યારે તેમના પર આ પ્રકારનો હૂમલાનો પ્રયાસ નિંદનીય અને અશોભનીય છે.