કોરોના કાળ બાદથી દેશમાં ચીની સામાનનો બહિષ્કાર કરવા માટે જાણે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકલ માટે વોકલ હોવાનો મંત્ર પણ જાહેર કર્યો હતો. લોકો પણ ચીનના સામાનના બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે.
ચીન સરહદ પર ભલે તણાવ હોય અને દેશમાં ચીની ચીજોના બહિષ્કાર માટે સ્વદેશી આંદોલન જોરમાં ચાલી રહ્યું છે તેમ છતાં ચીની કંપનીઓનું વર્ચસ્વ ઓછું થઈ રહ્યું નથી. ચીનની એક કંપની કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવનાર દિલ્હી-મેરઠ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર માટે કોન્ટ્રાક્ટ મેળવવા જઈ રહી છે.
આ અંગે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. સ્વદેશી જાગરણ મંચે પણ આ કરાર તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. હકીકતમાં દિલ્હી-મેરઠ રિઝનલ રેપિડ ટ્રાંઝિટ સિસ્ટમ (આરઆરટીએસ) પ્રોજેક્ટના અંડર ગ્રાઉન્ડ સ્ટ્રેચ બનાવવા માટે સૌથી ઓછી બોલી ચીનની એક કંપની શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ (એસટીઇસી) દ્વારા લગાવવામાં આવી છે.
એ પણ એવા સમયે જ્યારે દેશમાં ચીન વિરુદ્ધનું વાતાવરણ છે અને ચીની ચીજોનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે ચીની કંપનીને આશરે 1100 કરોડ રૂપિયાના આ કરાર મળ્યા બાદ વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે.