કોરોના સંકટ વચ્ચે છેતરપિંડી કરનારી વિવિધ ગેંગ સક્રિય થઈ ગઈ છે. આ ગેંગ લોકોને હેન્ડ સેનિટાઈઝરના નામે ઝેરી મિથેનોલની વહેચણી કરી રહી છે. એટલું જ નહીં PPE કિટ, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે છેતરપિંડી કરે છે.
ઈન્ટરપોલને મળેલા ઈનપુટને આધારે કેન્દ્રીય તપાસ સંસ્થા CBIએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પોલીસને એલર્ટ જાહેર કર્યું છે. મળતી માહિતી મુજબ, કોરોના વાયરસથી બચવા માટે મોટાભાગના ડોક્ટર હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યાં છે. પરંતુ સેનેટાઈઝર જ તમારા જીવન માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
CBIએ પહેલીવાર એલર્ટ આપ્યું છે કે, દેશમાં એવા સેનેટાઈઝર પણ વેચાઈ રહ્યાં છે, જે ખતરનાક રીતે ઝેરીલા છે. તેનાથી લોકોના જીવને ખતરો થઈ શકે છે. સીબીઆઈએ ઈન્ટરપોલની મદદથી મળેલી માહિતીના આધારે દેશભરમાં પોલીસ અને કાયદા લાગુ કરનારી એજન્સીઓને સતર્ક કર્યાં છે કે, કેટલાક ગ્રૂપ અત્યંત હાનિકારક મિથેનોલના પ્રયોગથી બનેલ સેનેટાઈઝર વેચી રહ્યાં છે. અન્ય એક પ્રકારનું ગ્રૂપ એવુ છે જે, ખુદને પીપીઈ અને કોવિડ-19 સાથે જોડાયેલ વસ્તુઓનો પ્રોવાઈડર બતાવે છે.
અધિકારીઓએ જણાવ્યું કે, મિથેનોલનો ઉપયોગ કરીને નકલી હેન્ડ સેનેટાઈઝર બનાવવામાં આવી રહ્યું છે. મિથેનોલ અત્યંત ઝેરીલો પદાર્થ હોય છે. તેઓએ કહ્યું કે, કોવિડ-19 દરમિયાન ઝેરીલા હેન્ડ સેનેટાઈઝરના ઉપયોગ વિશે બીજા દેશોમાંથી પણ સૂચનો પ્રાપ્ત થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે, મિથેનોલ બહુ જ ઝેરીલા હોઈ શકે છે અને માનવ શરીર માટે ખતરનાક ઘાતક સાબિત થઈ શકે છે.