દેશમાં કોરોનાવાયરના કેસનો આંકડો 3 લાખ 30 હજારને પાર પહોંચ્યો છે અને જેમ જેમ કોરોનાવાયરસના કેસ વધે છે તેમ રાજ્ય સરકારો વધારે કડક થતી હોય તેમ લાગી રહ્યું છે. તમિલનાડુની સરકાર દ્વારા કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને રાજ્યના 4 જિલ્લામાં વધુ 12 દિવસનું સજ્જડ લોકડાઉન જાહેર કર્યું છે.
કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસ અને તેનાથી થઇ રહેલી મોતથી ચિંતિત તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ સોમવારે 4 જિલ્લામાં સખત લોકડાઉનની જાહેરાત કરી છે.
તેમના આદેશ પ્રમાણે ચેન્નાઇ, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ અને તિરુવલ્લૂરમાં સખત લૉકડાઉન અમલી બનશે. જેનો અમલ લૉકડાઉન 19 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે. આ પહેલા સોમવારે હેલ્થ એક્સપર્ટની કમિટીએ મુખ્યમંત્રી પલાનીસ્વામીથી કોવિડ-19 અને લૉકડાઉનને લઇને વાતચીત કરી હતી.
કમિટીએ મુખ્યમંત્રીને સૂચન કર્યું હતું કે, ચેન્નઇમાં કોરોના વાયરસના કેસને રોકવા માટે સખત લૉકડાઉન લાગુ કરવાની જરૂર છે. મહત્વનું છે કે તમિલનાડુમાં પણ કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં કોરોનાવાયરસથી સૌથી વધારે પ્રભાવીત રાજ્યોમાં તમિલનાડુ બીજા નંબર પર છે અને ત્યાં 44,600થી વધારે કેસ નોંધવામાં આવ્યા છે.