કોરોના વાયરસનો વધતો ચેપ વિશ્વ માટે ચિંતાનું કારણ છે. ભારત, યુકે, યુએસએ સહિત વિવિધ દેશોના વૈજ્ઞાનિકો તેની રસી તૈયાર કરવામાં લાગેલા છે, જ્યારે વિશ્વભરની ઘણી કંપનીઓ તેની દવા તૈયાર કરવામાં વ્યસ્ત છે. ઘણા દેશોમાં કોરોના રસી ટ્રાયલ ચાલી રહી છે, જે સકારાત્મક પરિણામો બતાવી રહી છે.
દરમિયાન ભારતમાં બાબા રામદેવની કંપની ‘પતંજલિ આયુર્વેદ’એ દાવો કર્યો છે કે કોરોના વાયરસના ચેપ માટે દવા તૈયાર કરી છે. મળતી માહિતી મુજબ, વૈશ્વિક મહામારી બની રહેલા કોરોનાની દવાની શોધમાં દુનિયાના ઘણા વૈજ્ઞાનિક જોડાયેલા છે.
ઘણા વૈજ્ઞાનિક આ વાતનો દાવો કરી ચૂક્યા છે, કે આ વાયરસની દવાને તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગશે. ત્યારે પતંજલિ આયુર્વેદના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણએ દાવો કર્યો છે કે તેમણે કોરોના વાયરસની દવા બનાવી લીધી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે, જ્યારે કોરોના મહામારીએ દુનિયામાં આવી હતી ત્યારથી પતંજલિ આયુર્વેદે એક વૈજ્ઞાનિકોની ટીમ હાયર કરી હતી અને પોતાની સંસ્થાના દરેક વિભાગને ફક્ત કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા પર કામ કરવા લગાવી દીધા હતા. તેમણે કહ્યું કે, અમે ઘણા પોઝિટિવ કોરોના દર્દીઓની સ્થિતિ વિશે અધ્યયન કર્યું હતું અને અમને 100 ટકા અનુકૂળ પરિણામ મળ્યું છે.