જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી સુરક્ષાદળો દ્વારા આતંકીઓ સામે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ આતંકીઓના ષડયંત્રોને પણ નાકામ બનાવવામાં આવી રહ્યા છે..
તેવામાં પંજાબ પોલીસ દ્વારા પઠાણકોટથી લશ્કરના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલ બન્ને આતંકીઓ કાશ્મીરમાં મોટા આતંકી હુમલાનુ ષડયંત્ર રચી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે જોકે તેમના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
ઝડપાયેલ બન્ને આતંકીઓ પાસેથી 10 હેન્ડ ગ્રેનેડ, એક એકે 47 રાઈફલ, બે મેગઝીન્સ અને 60 કારતૂસ મળી આવ્યા છે. લશ્કરના બન્ને આતંકીઓની ઓળખ આમિર હુસૈન વાની અને વસીમ હસન વાની તરીકે થઈ છે.
બન્ને કાશ્મીરના શોપિયા જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસના સત્તાવાર સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, બન્ને પંજાબથી કાશ્મીર ઘાટીમાં મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા. જેમને અમૃતસર-જમ્મુ હાઈવે પર એક ચેકપોસ્ટ પર તપાસ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા છે.