કોરોના વાયરસના ટેસ્ટિંગને લઈ ઉભા થયેલ વિવાદ સામે ગુજરાત સરકાર સામે સતત આંગળી ચિંધાઈ રહી છે. તો બીજીબાજુ રાજ્યમાં ફરી લોકડાઉન લગાવવામાં આવે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યુ છે ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બંને મુદ્દે સ્પષ્ટતા કરી હતી. ગુજરાતમાં લોકડાઉન વધારવા અંગે થઈ રહેલી વાતો અંગે તેઓએ સ્પષ્ટતા કરી કે, લોકડાઉન અંગે ઘણા બધા લોકો અલગ-અલગ પ્રકારની અફવા ફેલાવે છે. પરંતુ દરેક રાજ્યની અલગ અલગ પરિસ્થિતિ છે. રાજસ્થાન બોર્ડર સીલ કરી એ રાજસ્થાન સરકારનો નિર્ણય છે.
ગુજરાત સરકાર લોકડાઉન લંબાવવા અંગે કે તેમાં ફેરફાર કરવા અંગે કોઇ વિચારણા કરી નથી રહી. રાજ્ય સરકારે તો લોકોની આવક થાય તે માટે છૂટછાટો આપી છે, મંદિરોને પણ છૂટછાટ આપી છે.
સરકારે આપેલી છૂટછાટોનું શિષ્ટપૂર્વક પાલન કરો એ જરૂરી છે. આ ઉપરાંત તેમણે કોરોના ટેસ્ટ મામલે જણાવ્યુ હતું કે, ખાનગી લેબમાં નાગરિકો કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે, એમડી કક્ષાના ડોકટર્સ ટેસ્ટ માટે ભલામણ કરી શકશે. તેમણે વધુમાં જણાવ્યું કે ખાનગી હોસ્પિટલમાં બેફામ ચાર્જ મુદ્દે સરકાર ગંભીર બનીને કાર્યવાહી હાથ ધરી છે. દર્દીઓ પાસેથી ખોટી રીતે ચાર્જ વસૂલતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.