અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણનો 10 જૂનથી પ્રારંભ થશે. દેવાધિદેવ મહાદેવજીની આરાધના-પૂજા સાથે મંદિર નિર્માણ વિધિ શરૂ થશે. અયોધ્યામાં રામજન્મભૂમિ સંકુલમાં મંદિર નિર્માણની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
કેમ્પસમાં ચાલી રહેલા સમતલીકરણ પછી L & T કંપનીના અધિકારીઓએ ફાઉન્ડેશનની તૈયારી માટે કેમ્પસમાં પડાવ કર્યો છે. તે જ સમયે, મંદિર નિર્માણની પ્રક્રિયા માટે પરિસરમાં ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવશે. યોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના સમતલીકરણનું કામ પૂરું કરી લીધું છે.
હવે મંદિર નિર્માણની શરૂઆત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા આવે તેની રાહ જોવાઈ રહી છે. ટ્રસ્ટનો પ્રયાસ છે કે, 1 જુલાઈએ દેવશયની એકાદશી પહેલા 29 જૂને વડાપ્રધાન અયોધ્યાની મુલાકાત લે અને તેઓ મંદિર નિર્માણની શરૂઆત કરાવે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૂત્રોનું કહેવું છે કે, વડાપ્રધાન મોદીને આમંત્રણ અપાયું છે. ભૂમિપૂજન વડાપ્રધાનના હસ્તે જ થશે. તે દેવશયની એકાદશી પહેલા ના થાય, તો આગામી ચાર મહિના મંદિર નિર્માણ શરૂ નહીં થઈ શકે કારણ કે, સનાતન વ્યવસ્થા પ્રમાણે ચોમાસામાં શુભ કાર્ય નથી કરાતું. ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્યુગોપાલ દાસના ઉત્તરાધિકારી કમલનયન દાસે કહ્યું કે, અમે બધા પ્રયાસ કરી રહ્યા છે. રામભક્તોની ઈચ્છા છે કે, મંદિર નિર્માણનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ થશે.