પૂર્વ લદ્દાયમાં ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવને લઈને બંને દેશોની વચ્ચે લેફ્ટન્ટ જનરલ સ્તરની વાતચીત બાદ પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે ચીન સરહદ વિવાદ પર કહ્યું કે દેશને પીએમ મોદી પર ભરોસો છે.
દેશને દિશા દેખાડનારા IndiaKaDNA E-Conclave માં વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે ચીન સરહદ વિવાદ ખુબ જૂનો છે. તેમણે કહ્યું કે, ‘ચીન સરહદ વિવાદ પર કોંગ્રેસે રાજકારણ ખેલ્યું. કોંગ્રેસ પોતાના પાપનો દોષ બીજાના માથે ન નાખી શકે.
પૂર્વ પીએમ નહેરુએ કાશ્મીર પર એકતરફી યુદ્ધવિરામ જાહેર કર્યો.’ કાશ્મીરમાં આતંકવાદના મુદ્દે સિંહે કહ્યું કે ‘કાશ્મીરમાં આતંક છેલ્લા તબક્કામાં છે. કાશ્મીરના યુવાઓ ભારતની વિકાસ યાત્રા સાથે જોડાવવા માંગે છે અને આગળ પણ કાશ્મીરી યુવાઓ આતંકનો રસ્તો છોડશે.’
મહત્વનું છે કે, ભારત-ચીન સરહદ પર તેમજ જમ્મુ કાશ્મીરમાં પણ હાલ સેના બન્ને મોરચે લડી રહી છે. ચીન દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ભારતીય સેનાને ઉકસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. ત્યારે આ મામલે બન્ને દેશોના લેફ્ટન્ટ જનરલ સ્તરની બેઠક મળી હતી.