ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાના અતિમહત્વકાંક્ષી સ્વભાવ માટે જાણીતા છે. રાજકીય વર્તુળોમાં બાપુના હુલામણા નામે જાણીતા શંકરસિંહ તેમની મહત્વકાંક્ષાની બાપુહઠને સંતોષવા સમયાંતરે રાજકારણમાં નવાજૂની કરતા રહે છે. ત્યારે ભાજપ, રાજપા, કોંગ્રેસ બાદ હાલ એનસીપીમાં રહેલા શંકરસિંહ બાપુને એનસીપીના પ્રદેશ પ્રમુખ પદેથી હટાવાયા બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.
આ મામલે શંકરસિંહ બાપુ ફરી એકવાર નવાજુની કરવાના હોવાની વાતને લઈ ચર્ચાએ જોર પકડ્યુ હતું. ત્યારે આ મામલે શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે હું સત્તા વિહોણી પાર્ટીમાં જોડાયો હતો. જો મારે સત્તા માટે જોડાવું હોત તો કોંગ્રેસમાં જ રહ્યો હોત.
જો કે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવાને લઇને અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તેમને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવતાં પહેલા પક્ષ દ્વારા તેઓની સાથે આ અંગે કોઇ ચર્ચા કરવામાં આવી નહોતી.
આ સાથે આગામી રાજ્યની રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજ્યનો એક માત્ર NCP નો મત કઇ પાર્ટીને આપવામાં આવશે તેને લઇને હાઇ કમાન્ડ સાથે કોઇ ચર્ચા કરાઈ નથી. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મને પ્રદેશ પ્રમુખ પદેથી દૂર કરવા અંગેના નિર્ણયની મને ખબર નથી. જો કે આ નિર્ણયની મને જાણ થતાં લોકડાઉન સુધી મોકુફ રાખવાની ભલામણ કરી હતી. લોકડાઉન બાદ હું પક્ષના પ્રમુખ સાથે આ અંગે મુલાકાત કરી શકું. જો કે તેમ છતાં પાર્ટીએ પોતાના નિર્ણયમાં કોઇ ફેરફાર કર્યો નહોતો.