કોરોના વાયરસના દર્દીને ટ્રેક કરવા માટે ભારત સરકારે ‘આરોગ્ય સેતુ’ એપ લોન્ચ કરી હતી. થોડા જ સમયમાં એપ ઘણી લોકપ્રિય થઈ હતી. પરંતુ છેલ્લા થોડા દિવસોથી આ એપની પ્રાઇવસી પોલિસીને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
લોકોની માંગને ધ્યાનમાં લઇ એપનો સોર્સ કોડ જાહેર કરી દેવામાં આવ્યો છે. જોકે, હજુ માત્ર એન્ડ્રોઈડ વર્ઝનનો ઓપન સોર્સ કરવામાં આવ્યો છે. IOS અને KaiOS વર્ઝનનો સોર્સ કોડ બાદમાં જાહેર કરાશે. વિપક્ષ દ્વારા સતત ઉઠાવામાં આવતા સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે આરોગ્ય સેતુ એપમાં બગ શોધવા માટે બગ બાઉંટી પ્રોગ્રામ લોન્ચ કર્યો છે.
આ પ્રોગ્રામ અંતર્ગત એપમાં ખામી શોધનારાને સરકાર ચાર લાખ રૂપિયા સુધીનું ઈનામ આપશે. આ ઈનામની રકમ ચાર કેટેગરીમાં રાખવામાં આવી છે.
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો આરોગ્ય સેતુ એપને લઈ કોઈના મનમાં સવાલ કે સૂચન હોય તો તેમનું સ્વાગત છે. આરોગ્ય સેતુમાં સેફટીને ત્રણ કેટેગીરમાં એક-એક લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે. તેની સાથે જ કોડમાં સુધારા માટે સૂચન આપવા એક લાખનું ઈનામ રાખવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, ભારતમાં 2 એપ્રિલ, 2020ના રોજ આરોગ્ય સેતુ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશનને અત્યાર સુધીમાં 11 કરોડથી વધારે લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે