દેશમાં જાહેર કરવામાં આવેલ લોકડાઉન4નો તબક્કો પૂર્ણ થતાની સાથે જ દેશમાં લોકડાઉન 5 લગાવી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત હવે 1 જુનથી 30 જુન સુધી લોકડાઉન રહેશે.
ગૃહ મંત્રાલય દ્વારા આ અંગેની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત કન્ટેનમેન્ટ ઝોન બહાર તબક્કાવાર છૂટછાટ આપવામાં આવશે, ત્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ યથાવત રહેશે.
નવી ગાઈડલાઈન મુજબ હવે રાત્રે 9થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. અત્યાર સુધી કર્ફ્યૂનો સમય સાંજે 7થી સવારના 7 વાગ્યા સુધીનો હતો. જ્યારે સ્કૂલ-કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અંગેનો નિર્ણય રાજ્ય સરકારો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે.જ્યારે ધાર્મિક સ્થળો 8 જુનથી શરતો સાથે ખોલવા મંજૂરી આપવામાં આવી છે.
તો રેસ્ટોરન્ટ અને હોટલ પણ 8 જુનથી શરતો સાથે ખોલવા મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવુ ફરજીયાત રહેશે.
આ ઉપરાંત નવી ગાઈડલાઈન મુજબ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. જ્યારે રાજ્યમાં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પર મંજૂરી આપવામાં આવી છે આ દરમિયાન કોઈની પરવાનગી અથવા પાસની જરુર નહીં રહે.