દેશમાં કોરોના મહામારીના કારણે લોકોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશના મેરઠમાં એક વાંદરુ કોરોના ટેસ્ટના સેમ્પલનું પેકેટ લઈને ભાગી જતા ભારે હડકમ્પ મચ્યો છે.
મળતી માહિતી મુજબ કોરોનાના દર્દીઓના બ્લડ સેમ્પલ લઈને તપાસ માટે મેરઠના એલએલઆરએમ લેબમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં લેબ ટેક્નિશિયનના હાથમાંથી એક વાંદરુ કોરોના સેમ્પલવાળું પેકેટ ઝુંટવીને ફરાર થઈ ગયુ…એટલુ જ નહીં તે સેમ્પલ પેકેટ પણ ચાવવા લાગ્યો હતો.
લેબમાં હાજર સ્ટાફે વાંદરાને પકડવા માટે તેની પાછળ ભાગ્યા તો વાંદરુ ઝાડ પર ચઢી ગયુ અને ત્યાંથી ફરાર થઈ ગયું. હોસ્પિટલના સ્ટાફમાંથી કોઈએ આ ઘટનો વિડિયો બનાવતા તે સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ભારે હડકમ્પ મચ્યો છે અને આ મામલે લેબ ટેક્નિશિયનને મેડિકલ કોલેજ પ્રશાસન દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે.
આ અંગેની જાણ તાત્કાલિક વન વિભાગની ટીમને પણ કરવામાં આવી હતી. હોસ્પિટલ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે પરંતુ વાંદરુ બ્લડ સેમ્પલનું પેકેટ દાંતોથી ચાઈને ત્યાંથી ફરાર થઈ ગયુ છે. આ ઘટના બાદ વિસ્તારમાં દહેશતનો માહોલ પણ ફેલાયો છે. લોકોને દહેશત છે કે સેમ્પલથી વાંદરુ સંક્રમિત થશે તો કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈ શકે છે.