દેશમાં વધતાં જતા કોરોના સંક્રમણના કેસ અને લોકડાઉનને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જે દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે આપણે કોરોના સામે 21દિવસની જંગ લડવા જઈ રહ્યા છીએ. આજે એ વાતને 60 દિવસ થવા આવ્યા છે પરંતુ આપણો એક માત્ર દેશ એવો છે જ્યાં વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.
તેમણે વ્યક્તિગત રીતે તથા પાર્ટીએ કોરોના વાઇરસના પ્રસાર મુદ્દે ફેબ્રુઆરી મહિનાથી જ સરકારને ચેતવી હતી, પરંતુ મોદી સરકાર જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. રાહુલે જણાવ્યું કે, ભારત એકમાત્ર એવો દેશ છે, જે કોરોનાના પોઝિટિવ કેસો વધ્યા બાદ લૉકડાઉન બંધ કરવા જઈ રહ્યો છે.
ભારતમાં લોકડાઉન નિષ્ફળ રહ્યું છે. PM મોદીનું લક્ષ્ય હતું, તે પૂર્ણ નથી થયું. વડાપ્રધાન મોદી અને સરકાર જણાવે હવે તેમની આગામી રણનીતિ કેવી રહેશે? રાહુલ ગાંધીએ સાથે જ જણાવ્યુ હતું કે, હું નરેન્દ્ર મોદીજીને કહેવા માગું છુ કે તમે જે આર્થિક પેકેજની જાહેરાત કરી છે, તેનાથી કોઈ લાભ નહીં થાય. 50 ટકા વસતિના ખાતામાં સીધાં જ રૂ. 7,500 જમા કરાવો.