કોરોનાની મહામારી વચ્ચે બંગાળમાં વાવાઝોડાએ તબાહી મચાવ્યા બાદ હવે ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઈ રહી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી 3 જૂન ની આસપાસ ગુજરાતના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાનની આગાહી કરતી વેબસાઈટ વિન્ડીના દર્શાવ્યા અનુસાર 3 જુને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. જે સમગ્ર સૌરાષ્ટ્રના 9 જિલ્લા અને મધ્ય- દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના શહેરોને અસર કરી શકે તેમ છે.
ગુજરાતના પશ્ચિમ ભાગે અરબી સમુદ્રની અંદર નવી સાયક્લોન પેટર્ન સર્જાઈ રહી છે જેની અસર ગુજરાત પર 3 જુનના દિવસે થઈ શકે છે. આ પ્રેશરથી 3 જુન બાદ ગુજરાત અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ સેવાઈ રહી છે.
આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને 3 જૂન સુધી ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા પણ જોવાઇ રહી છે.
જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો જો 3જી જૂને વાવાઝોડું આવે તો સૌરાષ્ટ્રના ગીર -સોમાનાથ જિલ્લામાં તેનું મુખ્ય કેન્દ્ર હોઈ શકે છે. ગીર-સોમનાથી જિલ્લાના ગીર-ગઢડા ગામ અને ગીરનું જંગલ કેન્દ્રબિંદુ બનશે. આ સાથે આજુબાજુના પોરબંદર, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં તેની વધુ અસર દેખાઈ શકે છે. આ દરમિયાન 110 કિલોમીટરની ઝડપે વાવાઝોડુ ત્રાટકી શકે છે.