સુરતના વરિયાવી બજારમાં બે બાળાની છેડતીની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે વરિયાવી બજાર, ખજૂરાવાડી ખાતે જૂની દરગાહ આવેલી છે. મૂળ સગરામપુરા – તલાવડી ખાતે રહેમાન ટપાલ બેન્ડવાળા સામે રહેતો મોહંમદ નિશાદ ગુલામ મોહંમદ શેખ હાલ આ દરગાહમાં રહે છે અને સાફસફાઇ સહિતનું મજૂરી કામ કરે છે.
તે દરગાહની બહાર મહોલ્લામાં સ્થાનિક વિસ્તારની બે બાળકીઓ રમી રહી હતી. મોહમ્દ નિશાદની આ બંને પડોશી બાળાઓ પર નજર પડી હતી અને દાનત બગાડી તે 5 અને 6 વર્ષની આ બાળાઓને ચોકલેટ અને બિસ્કિટ અપાવવાની લાલચ આપી ફોસલાવી દરગાહમાં લઇ ગયો હતો અને દરગાહના મુજાવરે શારીરિક અડપલાં કર્યા હતા.
ત્યારે બંને બાળા ગભરાઇને બહાર દોડી ગઈ હતી અને પરિવારજનોને આ અંગે વાત કરી હતી. આ સમગ્ર મામલો લાલગેટ પોલીસમાં પહોંચતા પોલીસે છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી દરગાહના સર્વન્ટ મોહંમદ નિશાદ શેખની ધરપકડ કરી હતી.