હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે આંતક મચાવ્યો છે. આ કોરોના વાયરસને કારણે હાલ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે લોકોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં રાજકોટ જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.
આપને જણાવી દઈએ કે, રાજકોટના રસ્તા પર એક એવી સાઇકલ નીકળી હતી કે, જેણે સોશિયલ ડિસ્ટન્સનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. અંદાજે 8 થી 10 ફૂટ જેટલી લંબાઇની સાઇકલ બે યુવતીઓ ચલાવી રહી હતી. આ સાઇકલમાં બે સીટ રાખવામાં આવી છે અને બંને સીટ વચ્ચે 3 ફૂટ જેટલું અંતર પણ રાખ્યું છે.
બે યુવતીઓ સાઇકલ લઇને બહાર નીકળી ત્યારે રાહદારીઓ પણ જોતા રહી ગયા હતા. મહત્વનું એ છે કે, લોકોએ તે સાઈકલને સોશિયલ ડિસ્ટન્સનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમજ બંને યુવતીઓએ સોશિયલ ડિસ્ટન્સની સાથે મોઢા પર માસ્ક પણ બાંધ્યું હતું.