જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે જી.જી.હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દ્વારા કોવિડ-૧૯ અંગે ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડો. કપિલ દ્વારા સ્વાસ્થ્યકર્મી અને પોલીસ કર્મીઓને કોવિડ-૧૯ અંગે તકેદારી, તેમને મુંઝવતા અનેક પ્રશ્નોના નિરાકરણરૂપ પ્રેઝન્ટેશન અને સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલેકટર રવિશંકરે આ કોરોના વોરિયર્સને સંબોધન કરીને કહ્યું હતું કે, આજના સમયમાં કોઈ એક વ્યક્તિની ભૂલ પણ બીજા માટે ઘાતકી થઈ શકે છે.
કોરોના વાઇરસનો ચેપ ન લાગે તે માટે દરેકે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. આ વાઇરસના કારણે હવે આપણી જીવનશૈલીમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે. જેમ પહેલા રૂમાલ, વોલેટ અને મોબાઇલ જેવી વસ્તુઓ ઘરેથી નીકળતા સમયે આપણે યાદ રાખીને લેતા તેવી જ રીતે હવે લોકોએ ઘરેથી નીકળતા જ માસ્ક પણ યાદ રાખીને પોતાની સાથે ફરજિયાત રાખવાનું છે. તો કમિશનર સતીષ પટેલે કહ્યું હતું કે, જામનગરમાં આવેલા કેસ બહારથી આવેલા લોકોના કેસ છે. આમ છતાં હવેના સમયમાં દરેક વ્યક્તિએ પોતાની અને પરિવારની કાળજી લઇને ચાલવાનું રહેશે.