કોરોના વાયરસ એ ડુંગળી વાવતા ખેડૂતોને રડાવ્યા છે. આમ તો ઉનાળાની આ સિઝનમાં ડુંગળીનો પાક તૈયાર થઇ જતો હોય છે અને ખેડૂતો તેમને વહેંચતા પણ હોય છે.
જો કે આ વર્ષે ડુંગળીનો પાક તૈયાર થઇ ગયો છે. એમનો ભાવ ખુબ જ નજીવો મળી રહ્યો છે. હાલ કિલો ડુંગળીનો ભાવ ચારથી પાંચ રૂપિયા છે. જે ઉત્પાદન ખર્ચ કરતાં પણ ખૂબ જ ઓછો છે. આવા સમયે ડુંગળી વાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
જોકે ખોટ ખાઈને ડુંગળી વેચવાના બદલે મોવિયા પંથકના ખેડૂતોએ દેશી પદ્ધતિથી સંગ્રહ કરવાનું વધારે પસંદ કર્યું છે. ઓઘો નામની આ દેશી પદ્ધતિથી ખેડૂતો ડુંગળીનો સંગ્રહ કરી રહ્યા છે. આ દેશી પદ્ધતિથી સંગ્રહ કરવામાં ખેડૂતોને ભારે મહેનત કરવી પડે છે.
આખો દિવસ તનતોડ મહેનત કર્યા બાદ ઓઘો નામની દેશી પદ્ધતિથી ખેડૂતો જમીનમાં આ ડુંગળીનો સંગ્રહ કરી શકે છે. જોકે એમાં પણ કમોસમી વરસાદનો ખતરો તો મંડાયેલો રહે છે. ડુંગળી વાવતા ખેડૂતોનું કહેવું છે કે સરકારે આ બાબતે મદદ કરવી જોઈએ.