ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલા કોરોના વાયરસે આજે સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લીધુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ડબ્લ્યુએચઓ દ્વારા આ વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં પણ કોરોના વાયરસના અનેક કેસ સામે આવી ચુક્યા છે.
ત્યારે આ વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા દેશમાં લોકડાઉન ચોથી વખત લંબાવવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા 10 હજારને પાર ગઈ છે. લોકડાઉનમાં જરુરીયાતમંદોની હાલત કફોડી બની છે.
ત્યારે અનેક સેવાકીય સંસ્થાઓની સાથે સાથે ગુજરાતની જાણીતી હસ્તીઓ, કલાકારો પણ જરુરીયાતમંદોની મદદે આવી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના લોકગાયિકા આશા કારેલીયા એ તેમના પરિવાર સાથે સાવરકુંડલા નગરપાલિકાને સાથે રાખીને સાવરકુંડલાની કેટલીક સોસાયટીમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
થોડા દિવસો અગાઉ ગાયિકા આશા કારેલીયા દ્વારા જરૂરિયાત મંદ લોકોને રાહતકીટનું વિતરણ સ્વખર્ચે અંદાજીત 1લાખ રૂપિયા સુધીનું કરવામાં આવ્યું હતું.
રાહતકીટમાં કરિયાણાની તમામ સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રાહતકીટ અંદાજીત 100 જેટલા પરિવાર સુધી મદદ કરવામાં આવી હતી.
લોકગાયિકા આશા કારેલીયા સાથે તેમનો પરિવાર પણ આ સેવામાં જોડયો હતો. સાથે જ સાવરકુંડલાના નગરપાલિકાના ચેરમેન કિરીટ દવે, પોલીસ જવાન તેમજ 25 જેટલા સ્વયં સેવક જોડાયા હતા.