પંચમહાલ જિલ્લામાં આવેલા મોરવા તાલુકાના ખાબડા ગામના 742 લોકોને મનરેગા યોજના હેઠળ રોજગારી મળી છે. તેમજ જિલ્લામાં કુલ 16,581 કામો હેઠળ 54,369 શ્રમિકોને રોજગારી અપાઈ છે. ત્યારે પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાના અંતરિયાળ ગામ ખાબડાના નિવાસી જશવંતભાઈ પ્રતાપભાઈ પટેલએ જણાવ્યુ કે, “હું સળિયા, સેન્ટિંગના કામનો કારીગર છું અને બહાર જઈ રોજગારી મેળવતો હતો.
પરંતુ કોરોનાના કારણે હાલ લોક ડાઉનનો 50મો દિવસ ચાલે છે, તો અમદાવાદ, વડોદરા જવાનું શક્ય નથી. ત્યારે અમારા ગામમાં જ તળાવ ઉંડું કરવાનું કામ ચાલુ થયું છે, તેમાં અમને નિયમિત રોજગારી મળી છે. તો હવે અમારે કોરોના જાય નહીં ત્યાં સુધી મજૂરી માટે બહાર જવાની જરૂર નથી.
તેમજ કોરોનાની વિશ્વવ્યાપી મહામારીના કારણે દેશભરમાં લોક ડાઉન અમલી છે. ત્યારે સરકાર દ્વારા રોજગારીનો પ્રશ્ન નિવારવા માટે વિવિધ પગલાઓ ભરવામાં આવ્યા છે. હાલ લોકડાઉનના કારણે રોજગારી મેળવવા માટે બહાર જવાનું કે અન્ય શહેરોમાં રોજગારી મેળવવાનું શક્ય નથી ત્યારે સરકાર શ્રમિકો, કારીગરોને સ્થાનિક સ્તરે રોજગારી મળી રહે તે માટે પ્રયાસ કરી રહી છે.