સમગ્ર દેશમાં એક બાજુ કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉનના પગલે બધા જ ધંધા રોજગાર બંધ હોવાથી લોકોની હાલત કફોડી થઇ ગઈ છે અને માત્ર જીવન જરૂરિયાત દુકાનો ખોલવામાં આવી રહી છે. આવા કપરા કાળમાં બનાસકાંઠામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ દિયોદરમાં માધવ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલી વિહત સેલ્સ એજન્સીમાં બન્યો હતો.
તેમજ એજન્સીમાં આગ લાગવાથી ફ્રીજ, કુલર, LED ટીવી સહિત ઇલેક્ટ્રોનિક વસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી. તે દુકાનમાં લાગેલી આગમાં અંદાજિત લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આ બાબતે દુકાન માલિક મયંક ગીરીએ જણાવ્યું હતું કે, જયારે સવારે દુકાન ખોલી ત્યારે તેમની દુકાનમાં LED ટીવી સહિત અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવને પગલે દિયોદર પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.