વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજની જાહેરાત કરી હતી.ત્યારબાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા એમએસએમઈ સેક્ટર માટે કેટલીક જાહેરાતો કરી હતી.
ત્યારે આજે આ પેકેજમાં ખેડૂતો તેમજ શ્રમિકોને શું લાભ મળશે તે અંગેની જાહેરાત નાણાં મંત્રી દ્વારા કરવામાં આવી હતી.. નાણામંત્રી નિર્મલા સીતારણે ગુરૂવારે આર્થિક પેકેજના ભાગ 2ની વિસ્તૃત માહિતી આપી હતી.
નાણામંત્રીએ ખેડૂતો અંગે જાહેરાત કરતા જણાવ્યું કે, 3 કરોડ ખેડૂતો કે જેમને અગાઉ લોન આપવામાં આવી છે તેમને લોન ભરવાની મુદ્દત વધારવામાં આવી છે. તેમજ ખેડૂતોને સસ્તા દર પર લોનનો લાભ આપવા અંગે પણ જાહેરાત કરવામાં આવી છે.
સાથે જ શ્રમિકો અંગે પણ કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 2.33 કરોડ પ્રવાસી શ્રમિકોને મનરેગા દ્વારા રોજગારી આપવામાં આવશે, આ માટે રાજ્ય સરકારોને પણ જણાવવામાં આવ્યું છે.
તો આ માટે શ્રમિકોના રોજના વેતનમાં વધારો કરીને એક દિવસના 202 રુપિયા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નેશનલ ફુડ સિક્યુરીટી એક્ટ અંતર્ગત પ્રવાસી મજુરોને કોઈપણ રાજ્યમાં ફ્રીમાં બે મહિના સુધી અનાજ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
સાથે જ નાણાં મંત્રીએ શ્રમ-રોજગારના કાયદામાં સરકાર સુધારો કરવા અંગે પણ વિચાર કરી રહી હોવાનું જણાવ્યુ હતું. સમગ્ર દેશમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના લાવવાની યોજના અંગે પણ નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી.
જે અંતર્ગત કોઈપણ લાભાર્થી કોઈપણ રાજ્યમાં અનાજ મેળવી શકશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતો અને શ્રમિકો ઉપરાંત ફેરીયાઓ માટે પણ વિશેષ જાહેરાત કરી હતી. જેમાં દેશના 50 લાખ ફેરિયાઓ માટે 5 હજાર કરોડની સ્પેશિયલ ક્રેડિટ ફેસિલીટી આપવા જાહેરાત કરાઈ હતી. જેમાં તેઓ ફરીથી ધંધો શરુ કરી શકે તે માટે 10 હજાર રુપિયા સુધીની રકમ ફાળવવામાં આવશે.