પંચમહાલ જિલ્લાના કાલોલમાં ૯મી એ હૈદરાબાદથી આવેલા ૧૦ જમાતીઓ, ૧૦મીએ તામિલનાડુથી આવેલા ૯ જમાતીઓ અને વેજલપુરના પંજાબથી આવેલા ૬ જમાતીઓ મળી ૨૫ જમાતીઓને આરોગ્ય તંત્રએ બે દિવસ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રાખી જરૂરી ટેસ્ટ તેમજ રિપોર્ટ અનુસાર જમાતીઓના લીધેલા સેમ્પલના તમામ ટેસ્ટ નેગેટિવ આવતા સમગ્ર તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
તેમ છતાં તકેદારીના ભાગ રૂપે તમામ જમાતીઓને કવેરોન્ટાઈન કરવા પૈકી હૈદરાબાદથી આવેલા ૧૦ જમાતીઓને કાલોલની મદિના મસ્જીદમાં, તામિલનાડુથી આવેલા ૯ જમાતીઓને કાલોલની કાસીમાબાદની મસ્જીદમાં અને વેજલપુરના ૬ જમાતીઓને વેજલપુરની યુસુફી મસ્જીદમાં કવેરોન્ટાઈન હેઠળ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તદ્ઉપરાંત જિલ્લા તંત્રના પ્રવાસી રિપોર્ટને આધારે કાલોલ શહેર અને તાલુકામાં આવ્યા હોય એવા અન્ય રાજ્યોમાંથી આવેલા ૩૫ વ્યક્તિઓને, અન્ય જિલ્લાઓમાંથી આવેલા ૪૮૨ અને પાછલા અઠવાડિયે હાલોલના કોરોના પોઝીટીવ દર્દીએ હાલોલની જે ખાનગી હોસ્પિટલમાં ઓપીડી સારવાર લીધી હતી.
તે દિવસે એ ખાનગી હોસ્પિટલમાં ઓપીડી માટે ઉપસ્થિત રહ્યા હોય અને સંપર્કમાં આવ્યા હોય એવા કાલોલ તાલુકાના બાકરોલ, કાલોલ, ખડકી, ખંડેવાળ ગામના નાગરિકો સહિત તાલુકાના ૯ વ્યક્તિઓને હોમ કવેરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હતા. જેને પગલે કાલોલ તાલુકાના ૫૨૬ જેટલા વ્યક્તિઓને હોમ કવેરોન્ટાઈન હેઠળ રાખવા માટે તાલુકા વહીવટી અને આરોગ્ય તંત્રએ ભારે દોડધામ કરી અત્યાર સુધી કોરોનાના સંક્રમણથી આબાદ રહેલા કાલોલ તાલુકા માટે જાગૃત હોવા અંગે અસરકારક અને સરાહનીય પગલાં ભર્યા હતા.