કોરોના વાયરસની મહામારીને કારણે લોકડાઉન થતા ગુજરાત રાજ્યમાં પરપ્રાંતમાંથી આવેલા લોકોની રોજગારી છીનવાઈ જતા તેઓ પોતાના વતન જવા માટે મજબૂર બન્યા છે. ત્યારે ભરૂચના આમોદ પંથકમાં પણ પરપ્રાંતમાંથી આવેલા અનેક લોકો લોકડાઉન થતા ફસાયા હતા અને પોતાની રોજગારી પણ ઠપ્પ થતા પોતાના વતનમાં જવા બેબાકળા બન્યા છે.
આમોદ પંથકમાં રહેતા અનેક પરપ્રાંતિયોએ સરકારના આદેશ મુજબ રેલવે ટીકીટના રૂપિયા પણ જે તે અધિકારીને આપી દીધા હતા. પરંતુ હાલ પાંચ થી છ દિવસ થવા છતાં તેમને વતન જવા માટેનો કોઈ સંદેશો ન મળતા મોટી સંખ્યામાં આમોદ મામલતદાર કચેરીએ ભેગા થયા હતા.
જેમણે પોતાનો રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે, જો બે દિવસમાં અમને અમારા વતન જવા માટે વ્યવસ્થા નહીં કરવામાં આવે તો અમે પરિવાર સાથે ચાલતા જ વતનની રાહ પકડીશું અને રસ્તામાં અમને કઇ પણ થશે તો તે માટે ગુજરાત સરકાર કે અમારા વતનની ઉત્તરપ્રદેશ કે બિહાર સરકાર જવાબદાર હશે.