કોરોના વાયરસને પગલે સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે ગુજરાતના નામાંકિત કલાકારો પણ આ મહામારીમાં જનજાગૃતતા આવે તેવા સતત પ્રયાસો કરી રહ્યા છે. જેમાં કેટલાક નામાંકિત લોકગાયકોએ પોતાના સુમધુર અવાજના માધ્યમ થકી કોરોના સામે લડવા અને ઘરમાં રહીને કોરોનાને હરાવવાની અપીલ પણ કરી છે. તેવામાં લોકડાઉનમાં અબોલા પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની છે.
ત્યારે ગુજરાત પ્રસિદ્ધ લોકગાયક અને પાટણ તાલુકાના મણુદ ગામના રહેવાસી રાજુ મણુદ્રાએ પોતાના મિત્રો સાથે મળીને ગામમાં આવેલા વૃક્ષો ઉપર માટીના કુંડા બાંધી અબોલ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરી હતી. તેમજ લોકોને લોકડાઉનમાં આવા પક્ષીઓ માટે આગળ આવવા પણ અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મનીષ સોલંકી, જગાજી ઠાકોર, જીગ્નેશ ગાંધી સમીર બલોચ, દિલીપ રાવળ સહિત મિત્રો જોડાયા હતા.