રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમા લોકોમાં ફેલાયેલા ભયને લઈને ગામમાં પ્રવેશ બંધ કરવા પંચાયતે આગેવાનોની બેઠક બોલાવી હતી. ત્યારે સભ્યોને વોર્ડ વાઇસ જવાબદારી સોંપાઈ હતી. મહત્વનુ છે કે, ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં બે દિવસ પહેલા એક વ્યક્તિ જે જામજોધપુરના કોરોના પેશન્ટના સંપર્કમાં આવેલી તેની જાણ થતા તેમને રાજકોટ રિપોર્ટ માટે મોકલી દેવામાં આવી છે. જેને લઈને આશરે તેર હજારની વસ્તી ધરાવતા આ ગામના લોકોમાં ભયનો માહોલ છવાયો છે. સોસીયલ મીડિયાના માધ્યમથી ગામની સરહદો સીલ કરવાની લોક માંગ ઉઠી છે.
લોક માંગને ધ્યાનમાં લઇ સરપંચ તેમજ ઉપસરપંચ ચેરમેનના અધ્યક્ષ સ્થાને તાત્કાલિક ગામના આગેવાનો જ્ઞાતી પ્રમુખોની મિટિંગ બોલવામાં આવી હતી. જેમાં ગામ હિત માટે લોકોના ડરને ખાળવા ગામમાં વાઇરસને પ્રવેશતો અટકાવવા માટે બહારથી પ્રવેશતા લોકો માટે શું કાર્યવાહી કરવી તેવી વ્યાપક ચર્ચા થઇ હતી. જેમાં ગામના રસ્તા બંધ કરવા કે બહારથી આવતા લોકોને અન્ય કોઈ જગ્યાએ કોરોનટાઇન કરવા કે કોઈને પ્રવેશ ન આપવો તેવી અનેક ચર્ચાને અંતે દરેકની સહમતીથી નક્કી થયું હતું કે, ગામના દરેક વોર્ડના સભ્યોની સાથે પાંચ કાર્યકર્તા રહી તેમના વિસ્તારમાં પ્રવેશતા લોકો ઉપર વોચ રાખવી તેમજ તેમની જાણકારી પંચાયતને કરવી અને હોમ કોરોનટાઇન કરેલા તમામ વ્યક્તિ પર પોલીસ નિગરાની રાખવામા આવશે.