ભરુચ જિલ્લાના વાગરા તાલુકામાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પીપરિયા ગામના કોથીયા ફળિયાના મુનાફ યાકુબ ઉંમરજી બગસ નામનો યુવાન જરૂરી કામકાજ અર્થે પીપરિયા ગામથી પોતાનું બાઈક લઈ ભરુચ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન વાગરા સીઆઈએસએફ કોલોની આગર આકોટ જવાના રસ્તા પાસે પુરઝડપે આવી રહેલ એક કાર ચાલકે બાઈકને ધડાકાભેર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં Gj 16-cm-9215 નંબરની બાઈક પર સવાર યુવક મુનાફને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે અકસ્માત સર્જી જીજે-16-ઝેડ 4495 નંબરની ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ વાગરા પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં મોતને ભેટેલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.