ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ચેપગ્રસ્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તો ગુજરાતમાં કોરોના સામેની જંગ જીતનારાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 454 દર્દીઓને કોરોનાને હરાવ્યો છે એટલે કે સ્વસ્થ થઈ ગયા છે. રવિવારે જ આવા 454 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
આ પ્રકારે રાજ્યમાં અત્યાર સુધી અઢી હજારથી વધુ એટલે કે 2,545 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ચૂકી છે. હાલ 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 5126 દર્દીઓની હાલત સ્થિર છે.
ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ છેલ્લા 10 દિવસમાં બેગણો વધ્યો છે. 10 દિવસ પહેલા રાજ્યમાં દર્દીઓનો રિકવર રેટ 15.58 ટકા હતો, જે હવે વધીને 32.64 ટકા થઈ ગયો છે. જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ ૩૦.૭૫ ટકા કરતાં પણ વધારે છે.
ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણો સારો રહ્યો છે. પંજાબનો ડિસ્ચાર્જ રેટ 09 % છે. પશ્ચિમ બંગાળનો 21%, તામિલનાડુનો 28%, ઓરિસ્સાનો 21%, મહારાષ્ટ્રનો 19%, ચંદીગઢનો 14 % અને દિલ્હી નો ડિસ્ચાર્જ રેટ 30.09 % રહ્યો છે. જ્યારે ગુજરાતનો ડિસ્ચાર્જ રેટ 32.64 ટકાએ પહોંચ્યો છે.