દેશભરમાં કોરોના વાયરસના કારણે 17 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જોકે કેટલાક વિસ્તાર કે જ્યાં કોરોનાના વધુ કેસ નથી ત્યાં થોડી છૂટછાટ આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
ત્યારે લોકડાઉન દરમિયાન છૂટછાટોના પગલે દારુની દુકાનો પર ઉમટેલી ભીડ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે.
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારોએ જણાવ્યું છે કે દારુનું સીધું વેચાણ કરવાની પરવાનગી આપવાને બદલે હોમ ડિલીવરી અથવા અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. જેથી લીકર શોપ પર લોકોની ભીડ ન જમા થાય.
દિલ્હીમાં દારૂની દુકાનો પર રોજ ઊમટતી ભીડને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, જેના પરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અરજદાર માટે કોઈ આદેશ આપવાનો ઈનકાર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, લોકડાઉનમાં છૂટછાટ મળતા અનેક રાજ્યોમાં દારુની દુકાનો ખોલવા અને વેચાણની મંજૂરી પણ આપવામાં આવી હતી. જેના લીધે વિતેલા થોડા દિવસોમાં આ વિસ્તારોમાં, ખાસ કરીને દારુ ખરીદતી વેળાએ સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું કોઇ પાલન કરવામાં આવતુ ન હતુ.
આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી વાઇન શોપ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. રાજ્યોમાં વાઇન શોપ ઓછી છે અને ખરીદનાર બહોળા વર્ગને લીધે કોરોના ફેલાવાનો ભય વધુ રહ્યો છે. અરજી પર સુનવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્રની એ ગાઇડલાઇનને પડકારી હતી, જેમાં લોકડાઉન દરમિયાન દારુ વેચવાની સીધી મંજૂરી આપી દેવાઇ હતી. જોકે, સુપ્રીમે રાજ્ય સરકારોને દારુની હોમ ડિલીવરી જેવી વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું છે.