ગુજરાતમાં કોરોના કેસના વિસ્ફોટ વચ્ચે નેતૃત્વ પરિવર્તનની ફરી એક વખત ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે સાંસદ અને કેન્દ્ર સરકારમાં પ્રધાન મનસુખ માંડવિયાએ આ પ્રકારની તમામ ચર્ચાઓને અફવા ગણાવી છે.
ગુજરાતમાં સવારથી જ એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ગુજરાતમાં નેતૃત્વ બદલાઈ રહ્યું છે તેવું જણાવવામાં આવ્યું હતું. આવામાં મેસેજ વાયુવેગે પ્રસરી જતા આખરે મનસુખ માંડવિયાએ આ અંગે ટ્વીટ કરીને અફવાનું ખંડન કર્યુ હતું.
કેન્દ્રીય કેબીનેટ મંત્રી મનસુખ માંડવિયાએ આજે ટ્વિટ કરીને કહ્યું હતું કે ગુજરાતમાં વિજય રૂપાણીના નેતૃત્વમાં મક્કમતાપૂર્વક કામ થઈ રહ્યું છે. તમામ ચાલતી વાતો અફવા છે..
મહત્વનું છે કે, મનસુખભાઈ માંડવીયાએ સ્પષ્ટ કહ્યું હતું કે વિજયભાઈના નેતૃત્વમાં ગુજરાત કોરોના વાયરસથી સર્જાયેલ પરિસ્થિતિને બખૂબી સારી રીતે હેન્ડલ કરી રહેલ છે. આ બાબતે સ્પષ્ટતા કરવાની જરુર ત્યારે પડી કે આજ સવારથી સમગ્ર ગુજરાતમાં આ સમાચારે હવા પકડી હતી. જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થઈ રહ્યું અને વિજય રુપાણીની જગ્યાએ મનસુખ માંડવિયાને સીએમ બનાવી શકાય છે…