આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત એક પ્લાન્ટમાં અચાનક કેમિકલ ગેસ લીકની એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક બાળક સહિત 8 લોકોની દર્દનાક મોત થયાના અહેવાલ સામે આવ્યા છે.
જ્યારે 4 હજારથી પણ વધુ લોકોને અસર થતાં તેઓ બિમાર થયા હોવાની માહિતી સામે આવી છે જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગેસ લીક થતાં રસ્તા પર કેટલાક લોકો બેભાન અવસ્થામાં પડેલા જોવા મળ્યા હતા તો કેટલાક લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના વિશાખાપટ્ટનમના આરઆર વેંકટપુરમ ગામની છે. ઘટનાસ્થળે રાહતકાર્ય ચાલુ છે અને બાકીના લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે. બનાવની જાણ થતાં ઘટના સ્થળે મેડિકલ ટીમ, પોલીસ કાફલો અને ફાયરબ્રિગેડની ટીમ પણ પહોંચી ગઈ હતી.
આ ઘટનાના કારણે સમગ્ર શહેરમાં તણાવનો માહોલ છે. તો બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાત્કાલિક વિશાખાપટ્ટનમની સ્થિતિ અંગે બેઠક બોલાવી સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી. સ્થાનિક પ્રશાસન અને નેવીએ ફેક્ટરીની આજુબાજુના ગામડાઓ ખાલી કરાવી લીધા છે.