કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વધતા જતા કોરોના સંક્રમણના કેસના પગલે લોકડાઉનને 4 મેથી 17 મે સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા પણ લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવા અંગે જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના સીએમઓ અશ્વિની કુમારે આ અંગે માહિતી આપતા રાજ્યમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે એ અંગે અગત્યની જાહેરાત કરવામાં આવી હતી. ગ્રીન ઝોનમાં જનજીવન યથાવત કરાશે પણ રેડ ઝોનમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે.
આ દરમિયાન તેમણે રાજ્યમાં પાન-મસાલાની દુકાનો ખુલ્લી રહેશે કે નહીં તે અંગે પણ જાણકારી આપી હતી. સીએમઓ અશ્વિની કુમારે જણાવ્યુ હતું કે, રાજ્યમાં આગામી બે સપ્તાહ સુધી રેડ, ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં પાન-મસાલાની દુકાનો ખોલી નહીં શકાય.
ગ્રીન ઝોનમાં પણ પાન-મસાલાની દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સાથે જ લીકર શોપ પણ બે સપ્તાહ સુધી બંધ રહેશે. સીએમઓના સચિવ અશ્વિની કુમારે સરકારના નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલે સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.
મહાનગરોમાં કોરોનાનાં કેસ વધુ છે, જેના કારણે લોકડાઉનનું ચુસ્ત પાલન કરવું પડશે. રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત શહેરોને જિલ્લાઓમાં વધુ કડકાઈનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય, પણ રાજકોટ મહાનગરને પણ રેડ ઝોન જ લાગુ રહેશે. રાજકોટ શહેરને પણ કોઈ વધુ છૂટછાટ નહિ અપાય. સાથે જ ગ્રીન ઝોનમાં 30 મુસાફરો સાથે એસટી બસ સેવા શરુ કરવાની મંજૂરી આપવા નિર્ણય કર્યો છે.