જામનગરમાં હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે, સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમુક શહેરોમાં સામાન્ય છૂટછાટ આપવામાં આવી છે. જે બાદ જામનગર હાઇવે ધમધમતો જોવા મળી રહ્યું છે. જેને લઈને પોલીસ પણ એકશનમાં આવી છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં બહોળી સંખ્યામાં કામ કરતા પરપ્રાંતિય મજુરોને વતન જવાનુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા યાદી તૈયાર કરી વતનમાં રવાના કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જે તમામ શ્રમીકો અને તેના પરીવારજનોના પુરતા તબીબી પરીક્ષણ બાદ રીપોર્ટ ઉપરાંત જરૂરી ડોકયુમેન્ટસ સાથે શ્રમીકોના પોતાના જે તે વતનના મથક ખાતે મોકલવામાં આવી રહયા છે.જામનગરના બે ગ્રામ્ય ડીવીઝન ઉપરાંત ધ્રોલ, મેઘપર, કાલાવડ,જામજોધુપર પંથક ખાતેથી જુદી જુદી લગભગ 62 બસો મારફતે 1910 શ્રમીકોને તેના માદરે વતન પહોચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આવા તમામ પરપ્રાંતિય શ્રમીકો મધ્યપ્રદેશના અલીરાજપુર,જાંબુવા ઉપરાંત દાહોદ, ગોધરા સહીતના પંથકના હોવાનુ સામે આવ્યું છે.