દેશમાં ઝડપથી ફેલાય રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક વખત ફરી લોકડાઉન બે અઠવાડિયા માટે લંબાવી દીધુ છે. લોકડાઉન 3.0 માં ઘણી બીજી છૂટછાટ આપવામાં આવી છે. જો કે તેમ છતાં આ વખતે રેલ, મેટ્રો, હવાઇ સેવાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં દારૂ અને પાન મસાલાઓના વેચાણને લઇને મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકડાઉનને સતત વધારવામાં આવી રહ્યું હોવા છતાં રાજ્યમાં કોરોનાના કેસો વધવાની ગતિ કાબૂમાં આવી નથી. ગાંધીનગરમાં નવા સાત, ભાવનગરમાં 5, બોટાદમાં 3 અને બોપલમાં બે કેસ નોંધાયા છે. સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં 4738 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 236 દર્દીઓના મૃત્યુ થયા છે. જોકે રાહતના સમાચાર એ પણ છેકે અત્યારસુધીમાં 736 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, આજે મુખ્યમંત્રી સાથે રાજ્યમાં કયા ઝોનને કેવા પ્રકારની છૂટછાટ આપવાની છે તે અંગે બેઠકમાં ચર્ચા કરવામા આવશે. સીએમ સાથે ચર્ચા કર્યા બાદ છૂટછાટ અંગે જણાવવામાં આવશે. આ ઉપરાંત પરપ્રાંતીયોને તેમના પ્રાંતમાં મોકલવાની કામગીરી તબક્કાવાર શરૂ કરવામાં આવશે. શ્રમિકો માટે મેડિકલ ચેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે. બસ દ્વારા મધ્યપ્રદેશ, રાજસ્થાનના શ્રમિકોને રવાના કરાયા છે. સુરતથી ટ્રેન ઓરિસ્સા, અમદાવાદથી ટ્રેન આગ્રા જશે. ટ્રેનની ટિકિટ શ્રમિકોએ ખરીદવી પડશે. કોરોનાના સંક્રમણને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે અને તેથી જ દેશભરમાં લોકડાઉનને વધુ 14 દિવસ વધારવામાં આવ્યું છે.
તેવામાં ઉદ્યોગ ધંધા રોજગાર શરૂ કરવા ગુજરાત સરકાર પર દબાણ વધી રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકારની આજે સાંજે મળનારી કોર કમીટીની બેઠકમાં લોક ડાઉન, રેડ અને ઓરેન્જ ઝોન ઉપરાંત ધંધા રોજગાર શરૂ કરવા કે નહીં અને કરવા તો કેવી રીતે કરવા તે અંગેની ચર્ચા કરવામાં આવશે, કેન્દ્રના ગૃહ મંત્રાલયની ગાઇડ લાઈન મુજબ કેવી રીતે ધંધા રોજગાર શરૂ કરવા તેનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.