લોકડાઉન બાદ આગામી દિવસોમાં મકાન સસ્તા મળી શકે છે.. માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રિયલ એસ્ટેટ કંપનીઓને આ અંગેની સલાહ આપી હતી.
કેન્દ્રીય મંત્રીએ રિયલ એસ્ટેટ સેક્ટરની કંપનીઓને પોતાના મકાનો-ફ્લેટોને નફો કર્યા વિના વેચવા માટે સલાહ આપી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બુધવારે સ્થાવર મિલકત કંપનીઓના વડાઓને અપીલ કરી છે કે લીક્વિડીટી વધારવા અને લોન પરના વ્યાજના ખર્ચને બચાવવા વેચાયા વગરના ફ્લેટ નો-પ્રોફિટ-નો-લોસમાં વેચાય તો વેચવો જોઇએ.
ગડકરીએ મોટી સંખ્યામાં વણ-વેચાયેલા ફ્લેટના માલિક બિલ્ડરોને સલાહ આપી હતી અને કહ્યું હતું કે, લોભી ન થાઓ. તમને પ્રીમિયમ કિંમત મળશે નહીં. માર્ગ, પરિવહન મંત્રી ગડકરીએ બિલ્ડર્સ એસોસિએશન નરેડકો દ્વારા આયોજીત વેબિનારને સંબોધન કરતાં આ અંગેની વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીના કારણે સ્થાવર મિલકત ક્ષેત્રે મંદીનો પ્રભાવ પડ્યો છે. ગડકરીએ બિલ્ડરોને સલાહ આપી હતી કે તેઓ તેમના પ્રતિનિધિઓને આવાસ અને નાણાં મંત્રાલયો તેમજ વડા પ્રધાન કાર્યાલયને હાલના સંકટને પહોંચી વળવાની રીતો સૂચવે.