હાલ દેશભરમાં કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે તેવામાં જુનાગઢમાં માર્કેટમાં તાજા ફળોની સામાન્ય આવક હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે તાજા ફળો મળતા ન હતા. તેથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો લોકડાઉનનાં કારણે નુકસાન ભોગવી રહ્યા છે.
તેવામા દુધાળા ગામે ખેડૂત ભીમાભાઈ રાઠોડ દ્વારા તેમની વાડીએ લાલ જાંબુ 10 છોડમાં લાલ જાંબુનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતાં લોકડાઉનના કપરા સમયમાં વેચાણ કરવાના બદલે લાલ જાંબુ બાળકોને વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છે. બાળકો પણ લાલ જાંબુ આરોગી ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.
ખેડૂતના જણાવ્યા પ્રમાણે હાલ ઉનાળાની સીઝન આવી ગઈ છે અને ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગે ફ્રુટનું વેચાણ થતું નથી. ત્યારે બાળકોના સ્વાસ્થ્યમાં ખુબ જ ઉપયોગી લાલ જાંબુ વિનામૂલ્યે આપી બાળકોના આશીર્વાદ મેળવુ છું. આમ, જુનાગઢમાં ખેડૂતે ઉદારતા દાખવી હતી.