કોરોના મહામારીને રાજ્યમાં પ્રસરતી અટકાવવા માટે પંજાબની અમરિંદર સરકારે લોકડાઉન અને કર્ફ્યૂ લંબાવી દીધુ છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે આ અંગેની જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું કે, 4 મેથી 16 મે સુધી રાજ્યમાં લોકડાઉન અને કર્ફ્યૂ રહેશે, પરંતુ સવારે સાતથી 11 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. પંજાબમાં અત્યાર સુધી 322થી પણ વધુ કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે 19 લોકોના અત્યાર સુધી મોત નિપજ્યા છે.
પંજાબમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કેપ્ટન અમરિંદરસિંહે મોટો નિર્ણય લેતા રાજ્યમાં લોકડાઉનને બે સપ્તાહ સુધી લંબાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન 3 મે બાદ પણ 2 અઠવાડિયા લંબાશે. જેમાં દરરોજ દિવસ દરમિયાન ચાર કલાક રાહત આપવામાં આવશે, જેથી લોકો પોતાની જીવન જરુરીયાતની ચીજવસ્તુઓ ખરીદી શકે.
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં સવારે 7થી 11 વાગ્યા સુધી દુકાનદારો દુકાનો ખોલી શકશે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 31 હજારથી વધી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 1008 થઈ છે.