હાલમાં કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર ખૂબ જ અથાગ પરીશ્રમ કરી રહી છે. તેમજ ડોક્ટર અને વૈજ્ઞાનિકો દ્વારા પણ તેનો નિવારણ માટે દિવસ રાત એક કરીને સતત પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે દર્દીઓની વધતી જતી સંખ્યાને જોતા ગુજરાતના હર્ષ પંચાલ (આણંદ), દર્શ શાહ (હાલ અમદાવાદ) તથા મોહંમદ અબ્બાસ (હાલ ભાવનગર) આ ત્રણ યુવાનો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.
આ ત્રણ યુવાનોએ આગામી સમયમાં કોરોનાના સંક્રમિત દર્દીઓને ઝડપથી શોધી શકાય અને તેવા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેવા હેતુથી કોમ્પ્યુટર વિઝન, ડીપ લર્નિંગ અને આર્ટિફિસીયલ ઈન્ટેલીજન્સના ઉપયોગથી વેબસાઈટ ડેવલપ કરવામાં આવી છે. હાલ કોરોના સંક્રમિત દર્દીઓના રીપોર્ટ આવતા ઓછામાં ઓછો 24 કલાક જેટલો સમય લાગી જાય છે.
ત્યારે ગુજરાતના આણંદ જિલ્લાના ત્રણ યુવાઓએ મળી એક એવુ વેબસાઈટ ડેવલપ કરી છે જેની મદદથી કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહીં તેની ગણતરીની મિનિટમાં ખબર પડી જાય છે. આ માટે માત્ર પેસ્ટ એક્સ-રેના ઉપયોગથી ઝડપી રિપોર્ટ કરવાની Team Commbot ગુજરાતની યુવા ગ્રુપની અનોખી પહેલ કારગત નીવડશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
(હર્ષ પંચાલ, આણંદ)
Team Commbot ગુજરાતના યુવાનો પૈકી સ્ટાર્ટઅપ ઈન્ડિયા 2017ના વિજેતા અને હાલ આણંદમાં રહેતા હર્ષ પંચાલે જણાવ્યું હતું કે, ટીમ કોમ્બોટ દ્વારા તૈયાર કરવામાં આવેલ વેબસાઈટમાં યુનિવર્સિટી ઓફ મોન્ટરેલ એથિક્સ રિવ્યુ કમિટીના રીસર્ચ ડેટાના આધારે પ્રથમ ચરણમાં 200 જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓના ચેસ્ટ એક્સરેના સંશોધન પરથી મળેલા પરિણામોના આધારે આગળ વધી રહ્યા છીએ. આગામી દિવસોમાં જો તક મળશે તો ગુજરાત અને દેશ કક્ષાએ પ્રક્રિયા અમલી બને તે માટે અમારી ટીમ કોમ્બોટ પ્રયત્નશીલ છે.
મહત્વનું છે કે, ગુજરાતના ત્રણ યુવાનો હર્ષ પંચાલ (આણંદ), દર્શ શાહ (હાલ અમદાવાદ) અને મોહંમદ અબ્બાસ (હાલ ભાવનગર) ની આ પહેલ આગામી સમયમાં આરોગ્ય ક્ષેત્રને નવી દિશા તરફ લઈ જશે તો ગુજરાત અને ગુજરાતની જનતા માટે ગૌરવની વાત હશે.