ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે.. હજારો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. જોકે, કેન્દ્રની મોદી સરકાર દ્વારા અગમચેતીના ભાગરુપે લોકડાઉન લાગુ કરવામાં આવતા આ વાયરસની ગતિ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે.. લોકડાઉનના કારણે વાયરસની ગતિ ધીમી પડી છે.
ગુજરાતની વાત કરીએ તો કોરોનાના કેસ મામલે હવે ગુજરાત દેશમાં બીજા સ્થાન પર સરકી ગયુ છે જે ગંભીર બાબત કહી શકાય. આ અંગે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, આ એક અભૂતપૂર્વ વાયરસ છે. ડબલ્યુએચઓએ પણ તેને મહામારી જાહેર કરી છે. 210 દેશ કરતાં વધુ દેશોમાં તેનુ સંક્રમણ વિસ્તર્યું છે.
ભારતના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના પહોંચી ગયો છે. ગુજરાતના ત્રણ જિલ્લાને બાદ કરતાં તમામ સ્થળે કોરોના પહોચ્યો છે. હજી પણ બધા વિસ્તારમાં પહોચશે એ હકીકત છે. પણ એને ધીમો કરવા માટેના પ્રયાસો થઇ રહ્યાં છે. તેના વિકાસની ગતિ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
લોકાડાઉનને લીધે તેની ગતિ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. આ રોગથી લુપ્ત ન રહી શકીએ, પણ તેની ગતિને નિયંત્રિત કરી શકીએ. આ સ્થિતિ હજુ બે મહિના ચાલશે. ભય, અફવા અને માસ ઇન્ફર્મેશનનું વાતાવરણ આપણને પાલવે નહિ. તેથી અફવાઓ ન ફેલાવવા માટે અમારી અપીલ છે. જ્યારે આખા સમાજ દેશમાં સંક્રમણ ફેલાતુ હોય ત્યારે સચેત રહેવુ જોઇએ.