સુરતમાં ડીજીપીએ પરિપત્ર જારી કરી રાષ્ટ્રરક્ષક મીડિયા કર્મીને છૂટ આપી હોવા છતાં સુરત પોલીસ તરફથી પત્રકારોને કડવો અનુભવ થયો હતો. મહત્વનુ છે કે, અત્યારે સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. લોકડાઉન દરમિયાન ઈમર્જન્સી સિવાયના વાહનોને નીકળવાની મનાઈ છે.
અલબત્ત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પરિપત્ર જારી કરીને પોલીસ, મેડિકલ-પેરા મેડિકલ કર્મચારીઓ ઉપરાંત રાષ્ટ્રરક્ષક પત્રકારોને લોકડાઉન દરમિયાન રિપોર્ટિંગ કરવા બહાર નીકળવાની છૂટ આપી છે. તેમ છતાં વરાછા પોલીસ મથકના ટ્રાફિક પીએસઆઈ જે એલ સીસોસદીયા દ્વારા પત્રકારને પોદ્દાર આર્કેડ પાસે રોકીને ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું.
પત્રકાર તરીકેનું આઈકાર્ડ બતાવ્યા પછી પણ PSI સિસોદીયાએ અન્ય ડોક્યુમેન્ટ માંગીને રોફ જમાવવાની કોશિષ કરી હતી. તેમજ રાજ્ય પોલીસ વડાએ કોરોનાના સમયમાં ફ્રન્ટ લાઈન પર કામ કરતાં લોકોને છૂટછાટ આપી છે. આ બાબતને અનુસરીને શહેર પોલીસ કમિશનર આર આર બ્રહ્મભટ્ટે પણ મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મીઓ ઉપરાંત પત્રકારોને પણ આઈ-કાર્ડ બતાવી કામ પર જવાની છૂટ આપતી સૂચના જારી કરી છે.