રાજ્યમાં વધતા કોરોના પોઝિટીવ કેસ વચ્ચે રૂપાણી સરકારે ગરીબો માટે મહત્વની જાહેરાત કરી હતી. જે અંતર્ગત બે દિવસ બાદ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ આવતા 66 લાખ કુટુંબોના ખાતામાં 1 હજાર રુપિયા જમા કરાવવાની શરુઆત કરાશે.
એપ્રિલ મહિના માટે વધુ 1 હજાર રુપિયાની સહાયની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી, જે સોમવારથી મળવાની શરુઆત થઈ જશે. રાજ્ય સરકાર પર આ નિર્ણયથી 660 કરોડનું ભારણ આવશે. પરંતુ 66 લાખ પરિવારોને લોકડાઉનની વચ્ચે રાહત મળશે. આ અંગેની માહિતી સીએમઓના સચિવ અશ્વિની કુમાર દ્વારા આપવામાં આવી હતી.
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં પ્રથમ વખત 60 લાખ APL કાર્ડધારકોને 13 એપ્રિલથી ઘઉં, ચોખા, ખાંડ, દાળ આપવાની શરૂઆત થઈ હતી. અત્યાર સુધી 60 લાખ પૈકી 45 લાખ લાભાર્થીઓએ રાશન લીધું છે. આ પ્રક્રિયા હજુ પણ ચાલુ જ રહેશે. અગાઉ 13 થી 17 એપ્રિલ સુધીની જાહેરાત કરી હતી. જેમાં અનેક લોકોએ પોતાનો હક્ક જતો કર્યો છે. હજુ જે પણ બાકી રહી ગયું હશે તેને અનાજ આપવાની કામગીરી ચાલુ રહેશે.