સુરતના વરાછા મોહન નગર, મોહનની ચાલ વિસ્તારમાં ચાલતાં એમ્બ્રોઈડરીના કારખાનાના કારીગરો ફરી તોફાને ચઢયા હતાં. મોટી સંખ્યામાં કારીગરો રસ્તા પર ઉતરી આવ્યા હતાં.
પોલીસને ઘટનાની જાણ થતાં ડીસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. કારીગરોએ પોલીસને હાથ જોડીને વતન મોકલી આપવાની આજીજી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફરી એકવાર દેશનો સંબોધન કરી 3 મે સુધી લોકડાઉન પાળવા જણાવ્યું હતું.
જેને પગલે કારીગરો ગુસ્સે ભરાયા હતાં. 14 એપ્રિલ પછી લોકડાઉન ખુલે ત્યારે વતનની વાટ પકડવાની રાહ જોઈ રહેલા આ કારીગરોની ધીરજ ખૂટી ગઈ હતી અને તેઓ વતન મોકલી આપવાની જીદ પકડી રસ્તા પર ઉતરી આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં ડીસીપી રાકેશ બારોટ અને એસીપી સી.કે.પટેલ સહિત વરાછા કાપોદ્રા પીઆઈએ મોડી રાત્રે ફરી ધમાલ નહીં થાય તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.