ભારતમાં કોરોના વાયરસના કહેરને લઈને કર્ણાટક સરકારે રાજ્યની તમામ સ્કૂલ, કૉલેજ, મોલ્સ, થિયેટર અને પબ બંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે. આ સાથે જ કર્ણાટકમાં યોજાનારા પ્રદર્શન, સમર કેમ્પ, સ્વીમિંગ પૂલ રમત, સ્પોર્ટ્સના ઈવેન્ટ, ફૂટબોલ, લગ્ન અને કૉન્ફ્રેંસ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આ સાથે જ સરકારને કોઈને પણ મુસાફરી ન કરવાની સલાહ આપી છે. ત્યારે ચીન બાદ કોરોના વાયરસના કારણે ઈટલીમાં સૌથી વધારે મોત થયા છે. સમગ્ર દેશ સ્થિર થઇ ગયો છે. 6 કરોડથી વધુ લોકો ઘરોમાં બંધ છે. તેની વચ્ચે ઈટલીના નાગરિકોમાં જોશ જોવા મળી રહ્યો છે. રોમ, મિલાન અને સિસલીમાં લોકો તેમની છતો અને બાલકની પરથી ગીતો ગાઇ રહ્યા છે જેથી લોકોનો ઉત્સાહ ઓછો ન થાય.
તેમાં સામાન્ય લોકો સાથે ઈટલીના સેલિબ્રિટી પણ સામેલ છે. આ અભિયાનમાં ઓપેરા ગાયક, સંગીતકાર અને સામાન્ય લોકો સાથ આપી રહ્યા છે. આવા જ દ્રષ્યો અમુક દિવસો પહેલા ચીનના વુહાનમાં જોવા મળ્યા હતા. ઉત્સાહ વધારતી વખતે લોકો ગિટાર, વાંસળી અને અન્ય વાજિંત્રો વગાડતા જોવા મળ્યા હતા.
અમુક લોકો ઈટલીનું રાષ્ટ્રગીત પણ ગાઇ રહ્યા હતા. ઈટલીમાં 15 માર્ચ સવાર સુધી મરનારાઓની સંખ્યા 1411 સુધી પહોંચી ગઇ છે. 21157થી વધુ લોકો સંક્રમિત છે.