ચીનથી શરુ થયેલ કોરોના વાયરસે હવે ભારતમાં પણ પગ પેસારો કરી દીધો છે. કોરોના વાયરસના ખતરાને લઈને રાજ્યના અમદાવાદ સહિતના એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રિનિંગ પણ શરુ કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર કોરોના વાયરસને લઈને ત્રણ ટીમ દ્વારા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદમાં એક શંકાસ્પદ કોરોના વાયરસનો કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે. સિંગાપુરથી પરત ફરેલી યુવતિ હાલ શંકાસ્પદ કેસ તરીકે હોસ્પિટલમાં દાખલ થઈ છે.
આ યુવતિ 2 માર્ચે અમદાવાદ પરત ફરી હતી. 23 વર્ષીય યુવતિને હાલ સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. તેમજ ડોક્ટરો દ્વારા બ્લડ સેમ્પલ લઈને હાલ સારવાર શરુ કરી દેવામાં આવી છે.
તો બીજીબાજુ દેશના કેટલાક ભાગોમાં સામે આવેલ કોરોનાના શંકાસ્પદ કેસોને જોતા ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે અને રાજ્યના અમદાવાદ સહિતના એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રિનિંગ શરૂ કરાયું છે. એરપોર્ટ ખાતે પ્રવાસીઓને હેલ્થ વિભાગની ટીમ તરફથી સારી સુવિધા મળી રહે તે માટે આજે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એરપોર્ટની મુલાકાત લીધી છે. જેઓએ એરપોર્ટ પર કોરોના વાયરસ લઈને ટીમને સતર્ક રહેવાની ખાસ સૂચના આપી છે.