ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે 2019થી શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ આપવાની જાહેરાત કરી છે જે માટે પસંદગી સમિતિ અને પસંદગી માટે ધોરણો ઠરાવતા નિયમો પણ જાહેર કરવામાં આવશે. આ અંગેની જાહેરાત ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેનદ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી.
ભારત સરકાર દ્વારા વર્ષ 1995થી સંસદના બન્ને ગૃહો એવા રાજ્યસભા અને લોકસભાના વર્તમાન સભ્યોને ઉત્કૃષ્ટ કામગીરી બદલ આઉટસ્ટેન્ડિંગ પાર્લામેન્ટ્રીયન એવોર્ડ આપવામાં આવે છે, તે જ રીતે હવે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2019થી ગૃહમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ, તેમની ફરજો અને જવાબદારીઓ સારી રિતે નિભાવવા માટે શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ આપવામાં આવશે.
વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે, આ માટે પસંદગી સમિતિ અને પસંદગી માટે ધોરણો ઠરાવતા નિયમો પણ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે આસામ, રાજસ્થાન, કર્ણાટક, ઝારખંડ, ઉત્તરાખંડના વિધાનસભાના વર્તમાન સભ્યોને દર વર્ષે ગૃહમાં શ્રેષ્ઠ કામીગીરી કરવા માટે ‘શ્રેષ્ઠ ધારાસભ્ય’નો એવોર્ડ આપવામાં આવે છે.