અમિતાભ બચ્ચનની તબિયતને લઈ ડોક્ટર્સે કડક ચેતવણી આપી હોવા છતાંય તેમણે કામ ચાલુ રાખ્યું છે. ડોક્ટર્સે તેમને એક મહિનાનો આરામ કરવાની સલાહ આપી છે. જોકે, સૂત્રોના મતે, અમિતાભ બચ્ચન આગામી ફિલ્મ ‘ચેહરે’ના શૂટિંગ માટે પોલેન્ડ જવાના છે. અહીંયા તેઓ એક્શન સીક્વન્સ શૂટ કરવાના છે. તેમણે આ શૂટિંગ માટે કમિટમેન્ટ કર્યું હતું. પોલેન્ડ શિડ્યૂઅલ બિગ બીની તબિયત ખરાબ થઈ તે પહેલાં નક્કી થઈ ગયું હતું. તેથી જ તેઓ નથી ઈચ્છતા કે તેમને કારણે ફિલ્મના પ્રોડ્યૂસર આનંદ પંડિતને નુકસાન થાય. પોલેન્ડમાં ‘ચેહરે’નું લાસ્ટ શિડ્યૂઅલ હોય તેમ પણ માનવામાં આવે છે.
આ શૂટિંગ પૂર્ણ કરીને અમિતાભ બચ્ચન બ્રેક લેશે.આ મહિનાની શરૂઆતમાં બિગ બીએ બ્લોગમાં પોતાના સ્વાસ્થ્ય અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે હવે શરીર પણ ધીમે પડવાના સંકેતો આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તબિયત સારી ના હોવાને કારણે બિગ બી 25મા કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થઈ શક્યા નહોતાં. તેમણે ટ્વિટર પર આ અંગે માફી પણ માગી હતી.ઓક્ટોબર મહિનામાં ત્રણ દિવસ સુધી બિગ બી હોસ્પિટલમાં દાખલ રહ્યાં હતાં. રૂમી જાફરીના ડિરેક્શનમાં બનતી ‘ચેહરે’ ફિલ્મમાં બિગ બી ઉપરાંત ઈમરાન હાશ્મી, ક્રિસ્ટલ ડિસોઝા, રિયા ચક્રવર્તી, સિદ્ધાંત કપૂર તથા અનુ કપૂર છે. આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થશે.