ભારતીય રેલવે કોરોનાકાળમાં તમામ સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરતા ચલાવવામાં આવતી ટ્રેનોની સંખ્યામાં વધારો કરવાની તૈયારીમાં છે. ભારતીય રેલવે આગામી ફેસ્ટિવલ સીઝનને ધ્યાનમાં લેતા જ વધુ 80 ટ્રેનો શરૂ કરવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ, ભારતીય રેલવે ઓક્ટોબર-નવેમ્બરમાં તહેવારોને ધ્યાનમાં લેતા સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી શકે છે. આગામી મહિને રેલ મંત્રાલય એવા રૂટ પર માંગ હિસાબે સ્પેશિયલ ટ્રેનોનું એલાન કરી શકે છે.
આપને જણાવી દઇએ કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે દેશભરમાં લાગુ લોકડાઉનને ધ્યાનમાં લેતા રેલવેએ મોટાભાગની ટ્રેનોને બંધ રાખી હતી. રેલવેના સૂત્રો અનુસાર, વર્તમાન સ્પેશિયલ ટ્રેન અને શ્રમિક વિશેષ ટ્રેનોથી અલગ આ ટ્રેનોને દોડાવવામાં આવશે.
આ ટ્રેનોમાં મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળશે અને ક્લોન ટ્રેનોમાંથી 19 જોડી હમસફર એક્સપ્રેસની રેક દોડાવાશે, જમેં દરેકમાં 18 કોચ હશે, જ્યારે એક જોડી 22 કોચો સાથે દિલ્હી-લખનઉ રૂટ પર દોડાવવામાં આવશે. મહત્વનું છે કે, આગામી મહિને ઓક્ટોબર અને નવેમ્બરમાં દશેરા, નવરાત્રી, દિવાળી, ભાઇબીજ જેવા મોટા તહેવાર આવવાના છે. તેવામાં ટ્રાવેલ ડિમાન્ડમાં વધારો જોવા મળી શકે છે.